April 2, 2026

તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ની તૈયારીઓ તેજ: નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ની જાહેરાત સાથે જ તાપી જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એપ્રિલ-2026 દરમિયાન યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર નિશાંત કુગાશિયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણી સંબંધિત તમામ કામગીરીને સુનિશ્ચિત કરવા માટે વિભાગો વચ્ચે સંકલન અને જવાબદારીપૂર્ણ કામગીરી પર ખાસ ભાર મુકાયો હતો.
બેઠક દરમિયાન આદર્શ આચારસંહિતાની ચુસ્ત અમલવારી, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની તૈયારી, મેનપાવર અને ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, તેમજ ઈવીએમ (EVM) વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, SVEEP કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ માટે વિવિધ અભિયાન યોજવાની યોજના પણ રજૂ કરવામાં આવી હતી.
આ સાથે, ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે આઈ.ટી. આધારિત મોનિટરીંગ, ઈ-ડેશબોર્ડ, એસએમએસ ટ્રેકિંગ સિસ્ટમ, તેમજ ફરિયાદોના ઝડપી નિકાલ માટે હેલ્પલાઈન સુવિધા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં બેલેટ પેપરના છાપકામ, મીડિયા સંકલન, ચૂંટણી નિરીક્ષકો સાથે સંવાદ અને સ્થળાંતરિત મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ અંગે પણ ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા સ્તરના તમામ નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સૌને તેમની ફરજોને સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ રીતે નિભાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 01 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય તથા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તા. 26 એપ્રિલ 2026ના રોજ મતદાન અને તા. 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે. રાજ્યભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે વ્યાપક ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે.

Written by

HARDIK AJAYBHAI JOSHI

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION