Ahmedabad Heritage Trees: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવી રહયો છે. બીજી તરફ શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલી વૃક્ષ ગણતરી દરમિયાન 422 જેટલા હેરીટેજ વૃક્ષો મળી આવ્યા છે. એક સદી પહેલાના શહેરીજનોએ તેમની ભાવિ પેઢીઓની કેટલી હદે ચિંતા કરી હશે તેનો ખ્યાલ વિકટોરીયા ગાર્ડનમાં અડીખમ ઉભેલા 113 વર્ષ જુનુ ખાટી આંબલી તથા મીઠાખળી રોડ ઉપર 91 વર્ષના શમીના વૃક્ષની હયાતી જ નગરજનો માટે આશિર્વાદરુપ સાબિત થઈ રહી છે.
વૃક્ષ ગણતરી કરાઈ રહી છે
વર્ષ 2011માં શહેરમાં વૃક્ષ ગણતરી કરવામા આવી હતી. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા 4.61 ટકા હતો. જે પછી 14 વર્ષ પછી અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સાર્સ ઈન્ડિયા નામની એજન્સી દ્વારા વૃક્ષ ગણતરી કરાઈ રહી છે. અત્યાર સુધીમાં 47 વોર્ડમાંથી કુલ 17 લાખથી વધુ વૃક્ષોની ગણતરી પુરી કરવામા આવી છે. આ કામગીરી હજુ પણ ચાલશે. પરંતુ જે મહત્ત્વની બાબત સામે આવી છે જેમાં સફેદ પામ ઉપરાંત રકતચંદન, ગોરખ આમલી પણ મળી આવ્યા છે.