May 9, 2026

મુંબઈ : એક જ પરિવારના ચાર લોકોનાં મોત મામલે એફએસએલ રિપોર્ટ આવ્યો, ઝિંક ફૉસ્ફાઇડ મળ્યાનો ખુલાસો

મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર લોકોનાં મોતના કેસમાં ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)નો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ મૃતકોના આંતરિક અવયવોનાં સૅમ્પલમાંથી ઝિંક ફૉસ્ફાઇડ નામનું ઝેરી રસાયણ મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર મામલે વધુ તપાસ હજુ ચાલુ છે.

મુંબઈના પાયધુની વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા દોકડિયા અને તેમનો પરિવાર આ ઘટનામાં મૃત્યુ પામ્યો હતો. મૃતકોનાં લીવર, કિડની અને અન્ય આંતરિક અવયવોના નમૂનાઓ ઉપરાંત પેટ, પિત્ત અને ચરબીના નમૂનાઓમાં પણ ઝિંક ફૉસ્ફાઇડ મળી આવ્યું હોવાનું જણાવાયું છે.

મુંબઈ પોલીસના ડીસીપી ઝોન-1 પ્રવીણ મુંડેએ જણાવ્યું કે, “એફએસએલ રિપોર્ટ અનુસાર ચારેય મૃતકોના આંતરિક અવયવોના નમૂનાઓમાં ઝિંક ફૉસ્ફાઇડ મળી આવ્યું છે. તપાસ દરમિયાન તરબૂચના નમૂનામાં પણ ઝિંક ફૉસ્ફાઇડ મળ્યું હતું. જોકે તપાસ માટે મોકલવામાં આવેલા અન્ય ફૂડ સૅમ્પલમાંથી આવું કોઈ રસાયણ મળ્યું નથી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “એફએસએલ રિપોર્ટનો વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને તબીબો સાથે ચર્ચા કર્યા બાદ આગળની તપાસની દિશા નક્કી કરવામાં આવશે.”

બીબીસી મરાઠી સાથે વાત કરતાં ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર ડૉ. વિજય ઠાકરેએ જણાવ્યું હતું કે સંબંધિત કેસમાં એફએસએલ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.

ઝિંક ફૉસ્ફાઇડ શું છે?

ઝિંક ફૉસ્ફાઇડ એક અત્યંત ઝેરી રસાયણ છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ઉંદર મારવાની દવા તરીકે થાય છે. કૃષિ અને અનાજ સંગ્રહમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રસાયણ પેટના એસિડ સાથે પ્રતિક્રિયા કરીને ફૉસ્ફિન નામનો ઝેરી ગેસ ઉત્પન્ન કરે છે, જે શરીરના મહત્વપૂર્ણ અંગો પર ગંભીર અસર કરી શકે છે. જોકે, આ કેસમાં મૃત્યુનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે.

સમગ્ર ઘટના શું હતી?

ચાલીસ વર્ષીય અબ્દુલ્લા દોકડિયા પાયધુની વિસ્તારમાં આવેલા મોઘલ ઍપાર્ટમેન્ટમાં પત્ની નસરીન દોકડિયા (35 વર્ષ) અને બે દીકરીઓ સાથે રહેતા હતા.

પોલીસ અનુસાર, 25 એપ્રિલની રાત્રે પરિવારજનો અને સંબંધીઓ સાથે ભોજન કર્યા બાદ મોડી રાત્રે પરિવારના સભ્યોએ તરબૂચ ખાધું હતું. ત્યારબાદ તમામની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયનાં મોત થયાં હતાં.

પ્રારંભિક તબક્કામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હવે એફએસએલ રિપોર્ટ સામે આવ્યા બાદ તપાસનું કેન્દ્ર ઝિંક ફૉસ્ફાઇડની હાજરી તરફ વળ્યું છે. તેમ છતાં, અધિકારીઓએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર ન પહોંચવાની વાત કહી છે.

આ કેસમાં જે. જે. પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધાયો છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણની માંગ

સ્થાનિક એમઆઈએમ નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે આ સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેમણે રાજ્ય સરકાર અને મુંબઈ પોલીસને ઘટનાનું સાચું કારણ જાહેર કરવાની અપીલ કરી હતી જેથી ભવિષ્યમાં લોકો સાવચેતી રાખી શકે.

Written by

DEVASHISH GOVIND TOKEKAR

District Reporter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION